ગરમીમાં  વધારો : સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ હીટ વેવની આગાહી
અમદાવાદ(ahemedabad)માં તાપમાન ૩૯ ડિગ્રીથી વધી શકે છે

-૩૮.૭ સાથે ડીસામાં સૌથી વધુ ગરમી : અમદાવાદ સહિત ૧૨ શહેરમાં ૩૭ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન

અમદાવાદ, ગુજરાત

ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે અને આજે રાજ્યના ૧૨ શહેરમાં ૩૭ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ૩૮.૭ ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની ચેતાવણી જારી કરેલી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ ગરમીનો પારો ૩૯ ડિગ્રીની આસપાસ રહે તેની પણ પૂરી સંભાવના છે.

હવામાન(Havaman) વિભાગે જણાવ્યું છે કે, 'આગામી ૪-૫ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થાય તેની સંભાવના નહિવત્ છે. પરંતુ ત્યારબાદના બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની સ્થિતિ રહેશે. હીટ વેવને પગલે બાળકો તેમજ વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવી.' અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૨૦.૭ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન સરેરાશ ૩૯ ડિગ્રીની આસપાસ ગરમી રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી ૨૨ માર્ચથી ગરમીના પ્રભુત્વમાં વધારો થશે અને તાપમાન ૪૦ને પાર જઇ શકે છે.

અમદાવાદમાં ગત વર્ષે માર્ચ માસમાં ૩૧ તારીખે ૩૮.૪ ડિગ્રી નોંધાઇ હતી, જે ૨૦૨૦માં માર્ચ માસમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુ કાળઝાળ ગરમી પડે તેની પૂરી સંભાવના છે. રાજ્યમાંથી આજે અન્યત્ર જ્યાં ૩૭ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ તેમાં રાજકોટ(Rajkot), કેશોદ, પોરબંદર, વેરાવળ, ભૂજ, સુરેન્દ્રનગર, કંડલા, અમરેલી, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં  ક્યાં વધારે ગરમી?

શહેર        ગરમી

ડીસા        ૩૮.૭

મહુવા       ૩૮.૬

ભૂજ         ૩૮.૪

રાજકોટ     ૩૮.૩

સુરેન્દ્રનગર  ૩૮.૩

અમદાવાદ  ૩૮.૦

કેશોદ        ૩૭.૮

કંડલા        ૩૭.૮

અમરેલી     ૩૭.૫

ગાંધીનગર  ૩૭.૨

વડોદરા     ૩૬.૨

ભાવનગર   ૩૫.૬